
નારી…. તો જ તું નારાયણી
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. મારા બધા જ મહિલા વાચકો ને ખુબ શુભકામના.એક વિચાર એવો આવ્યો કે રાણી લક્ષ્મીબાઈ,ઇન્દિરા ગાંધી,મેરી કોમ કે સાઈના નેહવાલ ની વાતો કરી ને તમને સારું લગાડુ .પછી તરત વિચાર આવ્યો કે એવું તો લઘભગ બધા જ મીડિયા,ટી વી ચેનલ અને વોટસ એપ મેસેજ આ કામ કરશે. થોડું હટ કે કરીએ.
સ્ત્રી આજે આટલી શક્તિશાળી છે તેમ છતાં નીચે ના વાક્યો મને લગભગ રોજ સાંભળવા મળે છે :
1. ” ફાઇનાન્સ ની વાત છે તને ખબર નહિ પડે”
2..” જ્યાં ચોકડી મારી છે ત્યાં સહી કરી દે તો”
3. ” મને ક્યાં થી મારો PAN યાદ હોય”
4 ” મારી સહી કરી દો ને ,તમે જ તો કરો છો “
5.” મારી સામે Insurance ની વાત ના કરો”
સાચું કહું ખુબ જ દુઃખ થાય છે જયારે એવું સાંભળું છું ત્યારે. મને થાય કે એકજ મહીના નું ગ્રોસરી લિસ્ટ સરસ રીતે તૈયાર કરી શક્તિ ગૃહિણી પોતા ના પતિ નો કેટલો Insurance છે તેનું લિસ્ટ કેમ નથી બનાવતી? પોતા નું બાળક માંદુ ના પડે તે માટે વારંવાર પિઝા અને બર્ગર થી દૂર રાખતી માતા પોતા ના કુટુંબ નો Mediclaim જાણવા નો પ્રયત્ન કેમ નહિ કરતી હોય? ઘર માં કામ કરતી કામવાળી બહેન જો બે દિવસ રજા પાડે તો ડરી જતી બહેનો આપણી લોન કેટલી બાકી છે તેના થી કેમ નથી ડરતી ? બાળક ના ચોપડા ,પતિ ના કપડાં અને સસરા ની દવા યાદ રાખી શકતી સ્ત્રી પોતા નો PAN કેમ યાદ નહિ રાખતી હોય? કરિયાણા અને શાકભાજી નો ભાવ કરાવતી સ્ત્રી આપણા પોર્ટફોલિયો ની વૅલ્યુ જાણવા નો પ્રયત્ન કરે તો કેવું? મને ખબર છે પ્રશ્નો થોડા ભારે છે પણ મારે આજે થોડા કડવા પ્રશ્ન જ પૂછવા છે.અમુક અંગત clients ને મેં જયારે આ પ્રશ્ન કર્યો તો જવાબ મળ્યો કે અમારું ફાઇનાન્સ નું બધું ધ્યાન તો મારા પતિ,પપ્પા કે ભાઈ રાખે છે પછી મારે શુ કામ યાદ રાખવું?સાચી વાત છે પણ જાણવું જરૂરી જ છે. જો સ્ત્રી પોતાની જાત ને પુરુષ સમોવડી ગણતી હોય ત્યારે તો ખાસ.
મારુ અંગત રીતે માનવું છે કે સ્ત્રી પુરુષ કરતા વધારે સફળ રોકાણકાર બની શકે છે. નારી ને ઈશ્વરે એવી શક્તિ આપી છે કે જે પુરુષ સમોવડી નથી પણ તેના થી પણ બે કદમ આગળ નીકળી શકે છે.
1.ધારણ શક્તિ :સ્ત્રી માતા બની શકે છે.તે ગર્ભ નું ધારણ કરી શકે છે અને એ વિશિષ્ટ છે.આ ગુણ તેને પુરુષ કરતા બેહતર બનાવે છે.ઇન્વેસ્ટમેન્ટ માટે પણ આ એક અગત્ય નો ગુણ છે. કોઈ સારું ઇન્વેસ્ટમેન્ટ કરો અને પછી એને સાચવો.
2. રાહ જોવા ની ક્ષમતા : સ્ત્રી ગર્ભ ધારણ કરી ને 9 મહીના સુધી બાળક ની રાહ જોઈ શકે છે.પુરુષ આ ક્યારેય ના કરી શકે.સ્વભાવ થી જ ચંચળ પુરુષ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી ત્વરિત લાભ પ્રાપ્તિ માટે એના ઇન્વેસ્ટમેન્ટ ની ફેરબદલી કર્યા જ કરે છે અને મોટા ભાગે તે નુકસાની કરે છે.પણ જો સ્ત્રી આ કામ ઉપાડી લે તો પરિણામ ખુબ જ સુંદર આવે.
3.સહન શક્તિ : નારી પ્રસવ ની કારમી પીડા સહન કરી શકે છે. તે બાળક ના જન્મ સુધી આહાર અને વિહાર માં વિશેસ શિસ્ત જાળવી શકે છે.માર્કેટ ના ઉત્તર ચઢાવ માં પણ સ્ત્રી સંયમ થી લડી શકે.મને જણાવતા આનંદ થાય છે કે મોટા ભાગ ના મોટા શેર ટર્મિનલ ઉપર હવે સ્ત્રી ની નિમણુંક થવા માંડી છે.મોટી કંપની નું માનવું છે કે સ્ત્રી બજાર ની હલચલ થી વિચલિત નથી થતી અને એકાગ્ર ચિત્તે ખુબ સારા પરિણામ લાવે છે.
4.સકારાત્મક વિચાર : ગર્ભ માં રહેલા બાળક ની જાતિ કે ભવિષ્ય ની ચિંતા કાર્ય વગર માતા એનું જતન કરે છે.એના મગજ માં હંમેશા અનુકૂળ અને સકારાત્મક વિચાર જ આવે છે.રોકાણ કે બચત કાર્ય પછી અને ભવિષ્ય ના સારા પરિણામ જોડે જોડી સ્ત્રી વળગી રહી શકે.
ઉપર ના બધા જ ગુણ સ્ત્રી માં ભગવાને જન્મ થી જ બક્ષેલા છૅ.જરૂર છે થોડી સમજ કેળવવાની અને પુરુષ સાથે ખભો મિલાવી ને ફાઇનાન્સ માં રસ રાખવાની. તો ચાલો આજ થી જ રોજ 15 મિનિટ પર્સનલ ફાઇનાન્સ પાછળ આપએ. આ પણ કુટુંબ પ્રત્યને જવાબદારી નો જ એક ભાગ છે. મને ખબર છે તમે કહેશો જ તો પછી પુરુષ શુ કરશે? એને પણ કઈ કહો ને. ચિંતા ના કરો. “World Man’s Day ” ના દિવસે આપણે ચોક્કસ એમને એ બધા જ કામ કરવા ની ચેલેન્જ આપીશુ જે એક ભારતીય નારી આસાની થી કરી લે છે. આપ ની શક્તિ ને વંદન.
અરે એક મિનિટ – કહો તો ” તમારો PAN શુ છે?”
* આ લેખ આપ ની આજુબાજુ ની પ્રત્યેક માતા અને બહેનો ને ફોરવર્ડ કરવા વિનંતી.