
ચાલો ..નિશાળ જઈએ
બાલમંદિર : સવાર નો ધીમો વરસાદ મને બહુ ગમતો .મને લાગતું હાશ આજે મમ્મી મને બાલમંદિર નહિ મોકલે . ત્યાં મારો મિત્ર સ્વીટુ, રમણભાઈ ની સાયકલ પર આવતો દેખાતો અને મારા મોતિયા જ મરી જતા . એ રમણભાઈ મારા પેહલા દુશ્મન. બાલમંદિર માં લેવા ઉભા રહેતા બેન મને લલિતા પવાર જેવા લાગતા.એને મંદિર કેમ કેહતા એ હજુ સુધી મને સમજાતું નથી. બાલમંદિર ના 3 વર્ષ માં હું શું શીખ્યો ? માત્ર બે ચીજ .બાલમંદિર ના ઘડિયાળ માં બે ક્યારે વાગે તે જોતા ( એ મારા બાલમંદિર ને છુટવા નો ટાઈમ ) અને તારીખિયા માં લાલ અક્ષર નો દિવસ ( રજા મળે ને ..)
જુનિયર ઇન્વેસ્ટમેન્ટ : પહેલું ઇન્વેસ્ટમેન્ટ પણ મોટા ભાગે બાલમંદિર, જેમ માતા પિતા ધકેલી દે એમ જ પરાણે કરાયેલું હોય છે .
” થોડું તો શરુ કરો “..
“આ પોલિસી તો લેવી જ જોઈએ”,
” થોડા તો બચાવ”
એમ કહી ને કોઈ ને કોઈ રમણભાઈ આપ ને ઇન્વેસ્ટમેન્ટ અથવા બચત ની યાત્રા સારું કરાવી દે છે..સાચી વાત ને ?
પ્રાથમિક શિક્ષણ : હવે સ્કૂલે જવું જ પડશે એવી આદત બંધાઈ ચુકી હોય છે થોડા મિત્રો પણ બની જાય છે.ભણવા ની સાથે ચિત્રકામ,શારીરિક શિક્ષણ અને સંગીત ના પીરીઅડ પણ હોવા થી સ્કૂલ બોરિંગ લગતી નથી એક જ લલિતા પવાર ને જોવા કરતા બદલાતા રહેતા શિક્ષક ઘડિયાળ સામે જોવા માં મજબુર નથી કરતા.બીજો ઉપાય પણ ક્યાં હોય છે સ્કૂલ જવા સિવાય?
પ્રાયમરી ઇન્વેસ્ટમેન્ટ : સમજી ગયા તમે! મને અથવા ક મને હવે બચત ની આદત પડી ગઈ હશે .મહિના ના બજેટ માં ઈન્સુરન્સ નું પ્રીમિયમ અને SIP ગોઠવાઈ જાય છે . શિક્ષક ની જેમ ફંડ બદલવાની અને નવી જગ્યા એ ઇન્વેસ્ટમેન્ટ કરવા ના પ્રયોગ પણ આ જ સમયગાળા માં થાય છે.આ 7 વર્ષ નો ગાળો કોઈ પણ ઇન્વેસ્ટર નો પાયો નાખવા માટે બહુ જ જરૂરી છે . કોઈ ખરાબ અનુભવ સમાજવિદ્યા કે ગણિત ના વિષય ને કાયમ માટે અપ્રિય બનાવી શકે. સમજો વાંક વિષય નો નહિ શિક્ષક નો છે .
માધ્યમિક શિક્ષણ :આ 3 વર્ષ તકલીફ વધશે એવું લાગે છે. હવે અચાનક થી પપ્પા પણ આ રમત માં જોડાય છે. રમવા જા એના કરતા ભણવા બેસ એવા પડઘા વધારે પડે છે.સલાહ લેવી કેટલી અઘરી અને આપવી કેટલી સરળ હોય છે તે હવે સમજાય છે. આપણા કરતા પાડોશી નો તુષાર વધારે હોશિયાર એવું કોઈ પણ કહી જાય અને ઘરે જે આવે એ પૂછે પણ ખરા કયો નંબર આવે છે ક્લાસ માં? અરીશા સામે જોઈ રહેવા નું મન પણ આ જ ઉંમરે થાય ને?
સૅકન્ડરી ઇન્વેસ્ટમેન્ટ : આ 3 વર્ષ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ બહુ અઘરા છે. વારંવાર અરીશા ની જેમ મોબાઈલ એપ ખોલી ને ઇન્વેસ્ટમેન્ટ ની વૅલ્યુ જોવા નું મન થાય.આપના પોર્ટફોલિયો કરતા કોઈ બીજા નો પોર્ટફોલિયો વધે ત્યારે દુઃખ પણ થાય.આપ ને સલાહ આપવા ઘણા બધા કહેવાતા Advisor તૈયાર બેઠા હોય તો સમજવું કે આપ સૅકન્ડરી ઇન્વેસ્ટમેન્ટ માં પહોંચી ચુક્યા છો.
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ : હવે ના બે વર્ષ તમારા જીવન ની દશા અને દિશા બદલસે એવું કહે છે.ક્રિકેટ બેટ,ટેનિસ રેકેટ અને બધા શોખ અભરાઈ ઉપર ચઢી જાય છે (કે ચઢાઈ દેવા માં આવે છે).અર્જુન ની આંખ ની જેમ ડૉક્ટર,એન્જીનીયર કે architect બનવા મચી પડો છો તમે.કોચિંગ હવે મોંઘુ અને નિષ્ણાંત ની સલાહ ઉપર નિર્ભર થઇ જાય છે.થોડી ચૂક જિંદગી ની રાહ બદલી શકે છે.
પ્રોફેશનલ ઇન્વેસ્ટમેન્ટ : હવે તમારા પોર્ટફોલિયો ને નિષ્ણાત ની સલાહ ની જરૂર છે.આજુ બાજુ ના અવાજ ને શાંત કરી ને માત્ર તમારા ગોલ ને ધ્યાન માં રાખવા ની જરૂર છે.થોડીક માવજત આપ ના ગોલ થી એકદમ નજીક લઇ જઈ શકે છે. છેલ્લા 15 વર્ષ ની મહેનત નું પરિણામ હવે હાથ વગું છે.ઇન્વેસ્ટમેન્ટ માં આ ગાળો બે થી પાંચ વર્ષ સુધી નો હોઈ શકે.બસ પછી શુ ?થઇ જાવ કોલેજ ની મજા લેવા તૈયાર .
બાલમંદિર થી લઇ ને ઉચ્ચતર માધ્યમિક સુધી ના બાળકો અમારી નિશાળ માં ભણવા આવે છે.અમને કોચિંગ આપવા ની ત્યારે જ મજા આવે જયારે આપ અમને કહો કે આપ ઉપર માં થી કયા ગ્રુપ માં છો ? કહેશો ને ?
રહી વાત મારી હું તો હજી પણ રાહ જોવું છું સ્વીટુ અને રમણભાઈની …બાલમંદિર જવા માટે જ તો…